વચનામૃત ગઢડા મધ્યનું - ૪૩

સંવત ૧૮૮૦ના પોષ સુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં અયોધ્યાવાસીને ઘેર ગાદી, તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદો લઈને કીર્તન ગાવતા હતા.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો પ્રશ્ન-ઉત્તર કરીએ એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યું જે, (૧) જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય ને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય-સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એવી રીતે સત્તા રૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય ? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, જે સત્તા રૂપે વર્તે તેને ભગવાનને વિષે તો પ્રીતિ હોય. (૧)

       ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું જે, (૨) સત્તા રૂપે રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ છે તે આત્માને સજાતિ છે કે વિજાતિ છે ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે એ પ્રીતિ તો આત્માને સજાતિ છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મા રૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મસ્વરૂપ કહી છે માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મનું સ્વરૂપ છે એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૪૩।। (૧૭૬)

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે નિર્ગુણ ભક્તને અમારે વિષે પ્રીતિ હોય; (૧) બીજામાં આચાર્યોને દૃષ્ટાંતે એ પ્રીતિને બ્રહ્મરૂપ કહી છે. (૨) બાબતો છે.

       પ્ર. પહેલા પ્રશ્નમાં ગુણાતીત થઈને પ્રીતિ કરવાનું કહ્યું તે ગુણાતીતનો શો અર્થ સમજવો ?

       ઉ. ગુણાતીત એટલે ત્રણ ગુણથી પર, બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થઈને શ્રીજીમહારાજને ભજે તે ભક્ત ગુણાતીત કહેવાય ને એવી રીતે ગુણથી પર થઈને શ્રીજીમહારાજને વિષે પ્રીતિ કરે એ પ્રીતિ બ્રહ્મરૂપ કહેવાય.

       પ્ર. ઉત્થાને રહિત શૂન્ય-સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એમ કહ્યું તે શૂન્ય-સમતા એટલે શું જ જાણવું ? અને સુષુપ્તિ જેવી એટલે કેવી જાણવી ?

       ઉ. જેમ આકાશ નિર્લેપ છે તેને ચાર ભૂતના વિકાર અડતા નથી તેમ એ ભક્તને દેહના વિકાર અડતા નથી; કેવળ આત્મસત્તા રૂપે વર્તે છે તે શૂન્ય-સમતા કહી છે, અને તે નિર્ગુણ છે ને સત્તા રૂપે વર્તે છે માટે સિદ્ધદશાવાળો છે તેથી જેમ સુષુપ્તિમાં વિસ્મૃતિ વર્તે તેમ શ્રીજીમહારાજ વિના બીજે વિસ્મૃતિ વર્તે છે એમ કહ્યું છે, પણ સુષુપ્તિ અવસ્થા કહી નથી માટે સુષુપ્તિને દૃષ્ટાંતે કરીને તેની સ્થિતિ કહી છે એમ જાણવું ।।૪૩।।